ગુજરાતમાં લોકડાઉન કે કરફ્યૂની વાત માત્ર અફવા છે, ખોટો ગભરાટ રાખવાની જરૂર નથી: રૂપાણી

ગુજરાતમાં લોકડાઉન કે કરફ્યૂની વાત માત્ર અફવા છે, ખોટો ગભરાટ રાખવાની જરૂર નથી: રૂપાણી

રાજ્યમાં દિવાળી બાદ વધી ગયેલા કોરોનાના કેસને કારણે ચાર મહાનગરોમાં દિવસનો તેમજ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ કરફ્યૂ લગાવ્યા બાદ પણ કેસોનો આંકડો વધી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે તેવી અફવાઓ શરૂ થઈ જતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે રાજયમાં લોકડાઉન આવવાની કે રાત્રિ કરફ્યૂ લગાવવાની માત્ર અફવાઓ છે. પરંતુ જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હાલ જે રાત્રિ કરફયૂ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે લોકોએ સરકારે તૈયાર કરેલી ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તેમજ ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇ જરૂર નથી. સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. આમ છતાં, જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતિ વિકટ થશે તો રાજ્ય સરકાર લોકોની આરોગ્ય-સલામતી ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે.કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે.

તેમણે કોરોના વેક્સિનની વિગતો આપતાં જણાવ્યું કે, આ વેક્સિનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર કામ ચાલે છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના વેક્સિનના વિતરણ અંગે સલાહ સૂચનો અને પરામર્શ કર્યા હતા તેની પણ વિગતો રૂપાણીએ આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર પણ બને તેટલી ઝડપી વેક્સિન આવી જાય તેમજ તે બને એટલી પારદર્શિતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં સરકાર વિચારાધિન છે.